પરીક્ષા


બે વાગી ગયા. હજી રીના કેમ ન આવી ?
હું રીનાની આતુર મને રાહ જોતી હતી. દસમીની પરીક્ષા આપી રહી હતી. આજે બીજ ગણિતનું પેપર હતું. રીનાનો માનીતો વિષય. તેણે મહેનત પણ ઘણી કરી હતી. કહેતી હતી, ‘આ વખતે નેવું માર્ક્સ તો ઓછામાં ઓછા લાવવા જ છે.’

હું બારણું ઉઘાડીને જ બેઠી હતી. રીનાનું હસતું મોં મારે જલદી જોવું હતું. અને એ હસતી-કૂદતી આવી. ‘મમ્મી’ કહેતી મને વળગી પડી.
‘અરે, બોલ તો ખરી, કેટલા માર્કસ લાવવાની ?’
‘પૂ….રા…..પંચાણું. તેમાં એક ઓછો નહીં.’
‘શાબાશ ! મારી દીકરી શાબાશ !’ હેતથી મેં એને ચૂમી લીધી.
ત્યાં અમારા પડોશની સોનાલી આવી. મેં એને પૂછ્યું : ‘પેપર કેવું ગયું ?’
‘સુપર્બ !’ – એ પણ ઘણી ખુશ દેખાતી હતી.
તેની પાછળ તેની મમ્મી પણ આવી. તેને જોઈ બોલી, ‘અરે, મમ્મી ! આજે તો કાંઈ જ બહારનું નહોતું. બધું જ બધું હું જાણતી હતી. લખવામાં મજા આવી ગઈ !’

તે મા-દીકરી ગયાં પછી મેં રીનાને પૂછ્યું, ‘આ લોકો શું વાત કરતાં હતાં ? બહારનું નહોતું એટલે શું ?’
‘મમ્મી, એમને પેપર પહેલેથી મળી ગયું હશે. પરીક્ષામાં એ જ આવ્યું. એટલે કશું બહારનું નહીં.’
‘એમ પહેલેથી કેવી રીતે મળી જાય ?’
‘અમારા સેન્ટર પર ઘણી છોકરીઓ પાસે પેપર હતું. એકે મને બતાવ્યું કે આ પ્રશ્ન આવવાનો છે. પણ મેં તે તરફ ધ્યાન જ ન આપ્યું. પરંતુ ઘણા કહેતા હતા કે આજનું પેપર ફૂટી ગયું હતું.’
‘હા, બેટા ! આપણે તો મહેનત કરીને જ ભણવાનું.’
મારી દીકરી બહુ જ હોશિયાર છે, બહુ જ મહેનતુ, કોઈ ટ્યુશન નહીં. જાતે જ મહેનત કરે. પડોશની સોનાલી તો રખડુ છે. નવમીમાં એક વાર નાપાસ પણ થયેલી. આ વરસે ખાસ ટ્યુશન પણ રાખેલું. પણ આખો વખત નવા નવા ડ્રેસ પહેરીને બહાર જ ફરતી હોય. મેં એને ક્યારેય ચોપડી લઈને બેઠેલી જોઈ નથી.

જમીને રીના બોલી : ‘મમ્મી, હું જરીક બાજુમાં જઈને આવું.’
‘કેમ, કાલની તૈયારી કરવી નથી ?’
‘હું હમણાં જ આવું છું.’
પૂરા અડધા-પોણા કલાકે આવી ત્યારે ગુમસુમ લાગતી હતી, ‘મમ્મી, એ લોકો તો હજાર રૂપિયા આપીને પેપર લાવ્યા હતાં. મેં તો માસીને કહ્યું કે આવી રીતે પેપર ફૂટી જાય તો ફરી પરીક્ષા લેવી જોઈએ. પણ એ લોકો કહે કે ફરી પરીક્ષા શું કામ ? પેપર ફૂટી ગયું તે બોર્ડનો દોષ. તેમાં અમે શું કરીએ ?
‘હશે બેટા, સહુ પોતપોતાનાં કર્યાં ભોગવશે. તું તારે વાંચવા બેસી જા !’
એ વાંચવા તો બેઠી, પણ મેં જોયું કે એ ખાસ્સી બેચેન હતી. સાંજે હું બહાર જઈ શાકભાજી, ઘરસામાન વગેરેની ખરીદી કરીને આવી, ત્યારે રીના કહે, ‘મમ્મી, હમણાં જ મારી એક બહેનપણી કાલનું આખું પેપર આપી ગઈ. કહેતી હતી કે કાલે આ જ આવવાનું છે. પણ મેં તો જોયું જ નહીં, બાજુએ મૂકી દીધું.’
મેં પાસે જઈને એના માથે પ્રેમથી હાથ ફેરવ્યો, ‘મારી દીકરી કેટલી ડાહી છે !’

પરંતુ રીનાના મનમાં કશુંક ઘોળાતું હતું. રાતે જમ્યા પછી ફરી એણે વાત કાઢી, ‘મારા જેવી છોકરીઓ વરસ આખું તનતોડ મહેનત કરે અને આ બધાં રખડ્યાં કરે. પણ પરીક્ષા વખતે પેપર ફોડીને એકદમ આગળ આવી જાય ! કદાચ માર્ક્સ પણ અમારા કરતાં સારા લાવે એટલે પછી એમને સારી કૉલેજમાં પ્રવેશ પણ મળી જાય, અને અમે લટકી પડીએ ! આટલી મહેનત પછી પણ…….’ મેં જોયું કે એની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં. તેવામાં એની એક બીજી બહેનપણીનો ફોન આવ્યો. તેણે ફોનમાં જે કાંઈ કહ્યું, તેનાથી રીના વળી વધુ વ્યગ્ર બની ગઈ. ફોન મૂકીને એકદમ સોફા પર બેસી પડી. મેં પૂછ્યું :
‘બેટા, શું થયું ?’
ઘણી વાર સુધી એ કાંઈ બોલી નહીં. પછી કહે, ‘મારી બહેનપણી કહે છે કે સોલિડ સજેશન છે. આ પ્રશ્ન કાલના પેપરમાં આવવાનો જ….. પણ મમ્મી, મારી તો એ વિશે કાંઈ તૈયારી નથી.’
‘કાંઈ નહીં, હજી વાંચી લે ને !’
એ વાંચવા બેઠી. પણ રાતે સૂતી વખતે કહે, ‘મમ્મી, આજે હું તારી સાથે સૂઈ જઈશ.’
‘આવ ને ! બેટા, તને કાંઈ થાય છે ?’
‘કાંઈ ગમતું નથી. આમ ચોરી કરીને પરીક્ષા આપવાની ?’…. અને મને વળગીને એ સૂતી. હું કાંઈ ન બોલી, એના વાંસે હાથ ફેરવતી રહી.

બીજે દિવસે એની વાટ જોતાં હું બહુ ચિંતામાં હતી. એ પરીક્ષા દઈને આવી. મોઢા પર ખુશી તો જણાતી હતી, પણ સાથે કંઈક ગંભીર લાગતી હતી. મારી સોડમાં સરકી મારી છાતી પર માથું મૂકી ધીરે ધીરે બોલી : ‘મમ્મી, પેપર ઘણું સારું ગયું…. પેલો પ્રશ્ન આવ્યો હતો…. રાતે વાંચી ગઈ હતી એટલે મારી તૈયારી હતી…. પણ મેં જવાબ લખ્યો જ નહીં…. ભલે એટલા માર્ક્સ ઓછા !…. હવે મને ઘણું સારું લાગે છે, હોં મમ્મી !’

મારી આંખો ઊભરાઈ આવી અને ગર્વથી મારી છાતી ફૂલી.

શ્રી પૂર્ણિમા મેટકરની મરાઠી વાર્તાને આધારે


Like it? Share with your friends!

3
3 comments
Team BuddyBits
This article is posted by one of the team members of BuddyBits.

Comments 3

Your email address will not be published. Required fields are marked *

પરીક્ષા

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Captcha!
Back to
log in