ભેટ

1 min


ભણવામાં ખુબ જ હોશિયાર એવો એક અતિ શ્રીમંત ઘર નો નવયુવક કોલેજના અંતિમ વરસની પરિક્ષાનિ તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તાર ના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો ભણવામાં પણ ખુબ તેજસ્વી હતો. એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછ્યું કે પરિક્ષાનિ તૈયારી કેવી ચાલે છે?

જવાબમાં દીકરા એ કહ્યું કે ખુબ જ સરસ. કદાચ યુનીવર્સીટીમાં પ્રથમ નંબર પણ આવી જાય! બાપ આ સાંભળીને ખુશથયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું, “પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શો-રૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ્સકાર મને ભેટમાં આપશો?”

તેના પિતાજી એ હા પડી. આવી કાર ખરીદવી એ તો તેમના માટે રમત-વાત હતી. પેલો યુવક રાજી થઇ ગયો.

એના માટે તો એ ડ્રીમ-કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરુ કરી દીધી. રોજકોલેજથી આવતા જતા એ પેલા શોરૂમ પાસે ઉભો રહી એની ડ્રીમ-કારને બે ઘડી જોઈ લેતો. થોડા દિવસો બાદ એના સ્ટીયરીંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારે જ તે રોમાંચિત થઇ ઉઠતો. આ અંગે તેણે પોતાના મિત્રને પણ વાત કરી દીધી હતી.

ધારણા પ્રમાણે જ એની પરીક્ષાઓ ખુબ સફળ રહી. પોતે પ્રથમ આવ્યો છે એની જાણ થતા જ એણે પિતાજીને કોલેજ પરથી ફોન કરી દીધો હતો. પોતાની ભેટની યાદ પણ તેણે કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પોર્ટ્સ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોચ્યો.

કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં તેણે નજર નાખી, પણ પેલી કાર ક્યાય દેખાઈ નહિ. એ થોડોક નિરાશ અને ઉદાસ થઇ ગયો.

કદાચ કાર ની ડીલીવરી પછી લેવાની હશે તેમ વિચારીને તે ઘરમાં દાખલ થયો. નોકરે તેને આવીને કહ્યું કે શેઠ સાહેબ એના રૂમમાં એના આવવાની રાહ જુવે છે. દોડતોએ પિતાજીના રૂમમાં પહોચ્યો. એના પિતાજી જાણે એના આવવાની જ રાહ જોતા હોય એવું લાગ્યું. એના આવતા જ એમણે ઉભા થઇ યુવકને ગળે લગાડ્યો. અમીર બાપ નો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધીન્ના કરવાને બદલે દિલ દઈને ભણવા વાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીટાળેલુ એક નાનકડું બોકસ આપીને કહ્યું, “દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આલે મારા તરફથી એક ઉત્તમ  ભેટ.” એટલું કહી પેલું બોકસ દીકરાના હાથમાં આપી તેઓ તેમના કામે જવા નીકળ્યા. એમના ગયા પછી દીકરાએ બોકસ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠા વાળું સોનેરી અક્ષરોએ લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મુકીને તે વિચારવા લાગ્યો, ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એકજ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. કાર અપાવવાની હા પડ્યા પછી પણ પિતાજીએ વચન ન પાડ્યું એવા તે એને ખુબ લાગી આવ્યું. એ સ્વમાની હતો. બીજી વાર પિતા પાસે માગવાનો કે યાદ અપાવવાનો સવાલ જ નહોતો. ઘણી વાર વિચાર કર્યા બાદ એને કાગળ લીધો. અને ટુકમાં લખ્યું, “પૂજ્યપિતાજી, કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એવું માનુ છું. પણ મને તો કાર જ જોઈતી હતી. હું જાઉ છું. ક્યાં જાઉ છું એ નહિ કહું. જયારે તમારી સમકક્ષ પૈસાદાર થઇ જઈશ ત્યારે જ તમને મ્હો બતાવીશ. એજ…પ્રણામ.” ચિટ્ઠી બોકસ પર મૂકીએ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જાય છે એ જાણવાની ખુબ કોશિશ કરી જોઈ. પરંતુ વ્યર્થ! કશું કહ્યા વિના એ જતો રહ્યો.

વર્ષો વીતી ગયા. યુવકનાં નસીબ ખુબ સારા હતા. મહેનતુ અને હોંશિયાર તો એ હતો જ એટલે એને જે બીઝનેસ શરુ કર્યો તેમાં અણધારી સફળતા મળી અને અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એને લગ્ન પણ કરી લીધા. વચ્ચે વચ્ચે એને એના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચેહરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચેહરો એને તરત જ દેખાતો. માતા નાં મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક કાર જ માગી અનેઅઢળક પૈસો હોવા છતાં તેના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલોસોફી ઝાડવા ફક્ત એક બાઈબલ જ આપ્યું, એવું વિચારી એનું મન કડવાશ થી ભરાઈ જતું.

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની ખુબ જ યાદ આવતી હતી. એ ઘણા વૃદ્ધ થઇ ગયા હશે. એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃધ્ધોને તો સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે વાત કરવાની એને તીવ્ર ઈચ્છા થઇ આવી. આમેય સમય સાથે માણસના ગુસ્સાનું કદ નાનું થતું જાય છે અને એક દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે, આવા વાહિયાત કારણ માટે આપણે ગુસ્સે થયા હતા!’ આવું જ કૈક તેને લાગ્યું.

તેણે ફોન ઉપાડ્યો અને ઘરનો નંબર ઘુમાવ્યો. સામેથી ફોન ઉચકાયો ત્યારે તેના ધબકારા ખુબ વધી ગયા હતા. પોતે કેમ વાત કરશે તેની અવઢવમાં તેણે ‘હેલો’ કહ્યું..પણ નિરાશા સાંપડી…સામા છેડે પિતાજી નહોતા, ઘરનો નોકર હતો. તેણે કહ્યું, “શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલા અવસાન પામ્યા છે. તમે તમારું સરનામું તો કીધું નહોતું તો તમને શી રીતે જાણ કરી શકીએ! પણ મરતા સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલુંકે ક્યારેય પણ તમારો ફોન આવે તો બધો કારોબાર સંભાળવા તમને બોલાવી લેવા. તમે આવી જાઓ.”

યુવક પરતો જાણે વજ્રાઘાત થયો. છેલ્લી પળોમાં પણ પિતાજીને મળીન શકાયું એ વાતે તેનું હૈયું વલોવાઈ ગયું. પણ હવે શું થાય?

વતન પાછા જવાની ઈચ્છા સાથે તેણે સહકુટુંબ પ્રયાણ કર્યું. ઘરે આવીને એ સીધોજ પિતાના રૂમમાં ગયો. એમની છબી જોતા જ એની આંખો વરસી પડી! થોડી વાર આંખો બંદ કરીને એ એમજ ઉભોરહ્યો. પછી  પોતાના રૂમમાં ગયો. પોતાની બધી વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના અત્યંત આગ્રહી હતા એ દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલા બાઈબલ પર પડી. આ એ જ બાઈબલ હતું જેને લીધે પોતે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી કડવાશ ગાયબ થઇ ગઈ હતી. એને બાઈબલ હાથમાં લઇ ખોલ્યું.

પ્રથમ પાને જ પિતાજી એ લખ્યું હતું, ‘ હે ભગવાન! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શીખવાડજે. એણે માંગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’

પિતાના આ શબ્દો આજે તેને બાઈબલ જેટલા જ મહાન લાગ્યા. શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એજ વખતે એના પાના ઓ વચ્ચે કયાંક છુપાયેલ એક નાનકડું કવર જમીન પર પડયું. યુવકે કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પોર્ટ્સ કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખાયેલું શો-રૂમનું બીલ હતું. એના પર તારીખ હતી-એ જે દિવસે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની!

કઈ કેટલીય વાર એ નીચે બેસી રહ્યો. અને હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે-ધ્રુસકે.. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પિતાજીની છબી સામે જોતો રહ્યો…..

ભેટ આપણે ધારીએ એ રીતે જ મળે તો જ આપણે સ્વીકારીએ? વડીલો તો ઠીક..ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતા હોઈશું!

કારણ એટલું જ કે આપણી ધારણાં પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું…બસ એટલુંજ!.

Shared by: Hardi Akbari: hardi_sm@yahoo.com, Anita Rathod: sarvaani_jsr@yahoo.com


Akbari Hardi

Akbari Hardi M.is currently pursuing her Engineering from V.V.P. Engineering College, Rajkot. She is interested in literature as it helps her to relax and maintain her moral. "I am also interested in sports which keeps me fit." says Hardi.