પ્રેરણામૂર્તિ

“પેલી તમારી વોટરબેગમાંથી પાણી આપશો ?” સામેની સીટ પર બેઠેલી યુવતિએ કિશોર પાસે પાણી માગ્યું.“હા, હા, કેમ નહિ ? લો” કહીને કિશોરે વોટરબેગ તે યુવતિની સામે ધરી.યુવતિએ પાણી પીને વોટરબેગ કિશોરને પાછી આપતાં, ‘થેંક યુ’ કહીને સ્મિત રેલાવ્યું. યુવતિનું નામ કવિતા હતું.“તમારું નામ પૂછી શકું ?” કવિતાએ વાત આગળ લંબાવી.

“કિશોર”

”વાહ ! બહુ સરસ નામ છે !” કવિતાએ જવાબ આપ્યો.

“હં” કહીને કિશોરે વાતમાં બહુ રસ લીધો નહિ.

હજુ તો સાંજના છ વાગ્યા હતા. વાંકાનેરથી પોણા છ વાગે ઉપડેલા સૌરાષ્ટ્ર મેલમાં કિશોર બેઠો ત્યારે સામે બેઠેલી કવિતાને લાગ્યું હતું કે ચાલો, સાથ મળવાથી ટાઇમ સારી રીતે પસાર થઇ જશે. પણ કિશોર તો વાતમાં કંઈ રસ લેતો ન હતો. કવિતાએ વળી વાતનો તંતુ પોતાના હાથમાં લીધો, “ક્યાં સુધી જવાના ?”

“દાદર સુધી” કિશોરનો જવાબ.

કવિતાએ ખુશ થઈને કહ્યું, “લ્યો, હું પણ મુંબઈ જાઉં છું. એકથી બે ભલા. તમારી કંપનીથી સમય સારી રીતે પસાર થઇ જશે.”

કિશોરના મુખ પર ખાસ આનંદ આવ્યો નહિ. કવિતાને થયું “જરૂર કંઈ મુસીબતમાં મૂકાયેલો લાગે છે.”

વાત ખરેખર એમ જ હતી. કિશોર, માટુંગામાં આવેલી ‘શ્રીજી ડાઈઝ કંપની’ માં ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો હતો. બી.એસ.સી. પૂરુ કર્યા પછી, છેલ્લા દોઢ વર્ષમાં, તેણે જુદી જુદી જગાએ વીસેક ઇન્ટરવ્યૂ આપ્યા હતા. પણ ક્યાંય તેનો સિતારો ચમક્યો ન હતો. બેકારોના લીસ્ટમાં તેનું નામ હજુ મોજુદ હતું. આજે એકવીસમી વખત તે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો હતો. તેને નોકરી કર્યા સિવાય ચાલે તેમ ન હતું. વાંકાનેરમાં પિતાજી નાની હાટડી ચલાવતા હતા પણ તેમાં ખાસ કંઈ આવક હતી નહિ. કોઈ ધંધો કરવા માટે પૈસા કે અનુભવ કે કોઈ ટેકેદાર હતા નહિ. ઘરમાં નાના ભાઈઓને ભણાવવાના હતા. બે બહેનો મોટી થઇ રહી હતી. તેમનાં લગ્ન અંગે પણ વિચારવાનું બહુ દૂર ન હતું. આ પરિસ્થિતિમાં કિશોરને એક નોકરીની ખૂબ જરૂર હતી. પોતે ભણેલો,સંસ્કારી અને સમજદાર હોવા છતાં સંજોગોએ તેને વિવશ બનાવી દીધો હતો. શરૂઆતમાં તો તેને ઇન્ટરવ્યૂ આપવામાં ઘણો ઉમંગ રહેતો હતો, પણ હવે તેમાં થોડી નિરાશા ઉમેરાઈ હતી. તે થોડો નંખાઈ ગયેલો લાગતો હતો. મુંબઈ તરફ ધસમસતા જઈ રહેલા મેલમાં, તરવરાટ અનુભવતી કવિતાની સામે, પોતાના નસીબને વિચારી રહેલો કિશોર સૂનમૂન બેઠો હતો. ચતુર કવિતા કિશોરના ચહેરા પરના ભાવો વાંચી રહી હતી. બીજા મુસાફરો પોતપોતાની તરેહથી વાતોએ વળગ્યા હતા. અહીં બારી આગળ આમનેસામને કિશોર-કવિતા પોતપોતાની રીતે વ્યસ્ત હતાં.

પણ કવિતાને આ શાંતિ પસંદ ન હતી. સુરેન્દ્રનગર આવ્યું. કવિતાએ બે ચાનો ઓર્ડર આપ્યો. હવે કિશોરને બોલ્યા વગર ચાલે તેમ ન હતું, “અરે ! બે ચા શા માટે મંગાવી ? મને કંઈ ચા પીવાની ટેવ નથી.”

“કિશોર, ચાની આદત ભલે ના હોય, પણ ચા પીવાથી તાજગી આવી જશે. તમે કંઇક હળવા થશો.”

ચા આવી. કવિતા અનુભવી અદાથી ચા પી રહી હતી. કિશોર દવાની જેમ ચા ગટગટાવી ગયો. કવિતાએ ચા પીતાં પીતાં વાત ચલાવી, “કિશોર, તમને પસંદ હોય તો આપણે વાતો કરીએ.”

“ભલે, કરીએ”

“જુઓ કિશોર, હમણાં જ સંધ્યા સલૂણી સરી ગઈ. કેવી સુંદર સાંજ હતી ! સૂર્ય બીજી દુનિયાને પ્રકાશિત કરવા આગળ દોડી ગયો. આપણી ટ્રેન પણ આપણને લઈને દોડી રહી છે. તે પણ, આપણા જીવનને પ્રકાશિત કરવા માટે જ હશે. અર્થાત આપણી આવતી કાલ ઉજળી હશે. આવતી કાલે કંઇક કરવા માટે તો આપણે આ મુસાફરી કરી રહ્યાં હોઈશું. આવા ઉજ્જવળ ભાવિની આશામાં આનંદિત રહેવાને બદલે, તમે આ ઉદાસીનો અંચળો શાને ઓઢી લીધો છે ? હું કંઇક વધુ બોલી ગઈ હોઉં તો માફ કરશો.”

કવિતાના આટલા લાંબા ભાષણ પછી, કિશોર બોલ્યો,”આવતી કાલ કદાચ, તમે ધારો છો તેમ, ઉજળી જ હોય, તેમ કોણે કહ્યું ?”

કિશોરના નિરાશાવાદી મનને કવિતાએ પકડી પાડ્યું. કિશોર શા માટે મુંબઈ જઈ રહ્યો છે, અત્યાર સુધીના ઇન્ટરવ્યૂની નિષ્ફળતાઓ, ઘરની પરિસ્થિતિ – એવી બધી વાતો ધીરે ધીરે કવિતાને તેની પાસેથી જાણવા મળી. પછી તે બોલી, “કિશોર, કરોળિયો વારંવાર પડે છે, છતાં ય ફરીથી ઉભો થઈને પોતાનું જાળું બાંધે જ છે. ચકલીનો માળો તમે ફિંદી નાખો તો પણ તે ફરીથી બાંધે છે. જીવજંતુ અને પક્ષીઓમાં પણ જો આટલી હિંમત હોય તો, તમે તો માણસ છો, પુરુષ છો, ભણેલા છો, એ એકવીસ તો શું, એકસો એક નિષ્ફળતા મળે તો પણ હિંમત હારે નહિ.”

કિશોરે હુંકારો ભણ્યો. તેનામાં ચેતના આવી. કવિતાએ આગળ ચલાવ્યું, “જુઓ, મને તો વાતો કર્યા સિવાય ચેન પડે જ નહિ. તમારા જેવા એક અજાણ્યા પુરુષ સાથે હિંમતથી વાત કરી શકું છું. કારણ કે મને મારી જાત પર વિશ્વાસ છે. તમે પણ ધારો તો જીંદગીમાં જરૂર સફળ થઇ શકો.”

કિશોરને તેની વાતમાં રસ પડ્યો. તે બીજું બધું ભૂલી ગયો. કવિતાની વાણીમાં તે ખેંચાવા લાગ્યો. “કિશોર, તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો ને ? તમારે પાસ થવું જ છે ને ? તમે જરૂર પાસ થઇ જશો. ઇન્ટરવ્યૂ દેતી વખતે તમારી પરિસ્થિતિને એક કોરે મૂકી, તમારું સમગ્ર ધ્યાન ઇન્ટરવ્યૂ પર કેન્દ્રિત કરો. ઇન્ટરવ્યૂ લેનારને આંજી દે એવી સબળ પ્રતિભા ઉપસાવો.”

કવિતા બોલે જતી હતી અને કિશોર એકચિત્તે સાંભળી રહ્યો હતો,”…. તમારાં સુઘડ કપડાં, ચહેરા પર તરવરતી સુરખી, તમારું વર્તન, પ્રશ્નોના જવાબ આપવાની છટા, આત્મવિશ્વાસ, કામ પ્રત્યેની આતુરતા, સામાન્ય જ્ઞાન – આ બધા પરથી જરૂર સફળ થવાય. તેમાં ફક્ત ભણતર જ કામ નથી લાગતું. મોટા ભાગની સફળતા તો આ બધા પર અવલંબે છે.”

કિશોરનો અંતરાત્મા જાગી ઉઠ્યો. તેણે નિષ્ફળતાઓથી નહિ ડરવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. તેને પોતાનો કોલેજકાળ યાદ આવી ગયો. પોતે કોલેજ ઇલેક્શનમાં જીતવા જે જોશજોરથી પ્રચાર કરતો હતો, તે યાદ આવી ગયું. રાતના દસ વાગે અમદાવાદ પસાર થયું અને પોતાના બર્થ પર સૂતી વખતે તેણે કવિતાને સસ્મિત ‘ગુડ નાઇટ’ કહ્યું ત્યારે પોતે ઉત્સાહથી થનગનતો એક યુવાન બની ગયાનું તેણે અનુભવ્યું. રાત ખૂબ શાંતિથી પસાર થઇ ગઈ. અને ઇન્ટરવ્યૂમાં સફળ થવાની શ્રદ્ધા સહિત તેણે સવારે દાદરના પ્લેટફોર્મ પર પગ મૂક્યો. કવિતાને લઇને ટ્રેન બોમ્બે પહોંચવા આગળ વધી.

માટુંગા શ્રીજી ડાઈઝ કંપનીમાં અધિકારીઓ સમક્ષ કિશોર બેઠો હતો અને પ્રશ્નોત્તરીનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યો હતો. “મી. કિશોર, તમારી બધી વાત બરાબર, પણ તમને પસંદ કરીને શ્રીજી કંપનીને શું નવા લાભ પ્રાપ્ત થશે, એ વિષે કંઇક કહેશો ?” “જી સર, શ્રીજી ડાઈઝ કંપની હાલ જ્યાં છે ત્યાંથી વધુ ને વધુ પ્રગતિનાં સોપાન સર કરે, એ જ મારું કર્તવ્ય હશે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા ધરાવતા ડાઈઝ(રંગ) તૈયાર કરવાની મારી તત્પરતા રહેશે.”

કિશોરનો આત્મવિશ્વાસ જોઈને તેને પસંદ કરવામાં આવ્યો. કિશોરની ઈચ્છા પૂરી થઇ હતી. મનોમન તે કવિતાને યાદ કરી રહ્યો હતો. તેને થયું, જેણે મારામાં આટલી બધી ચપળતા પેદા કરી, આટલી બધી પ્રેરણા આપી, તેને મેં તેના પોતાના વિષે કંઈ પૂછ્યું નહિ ! તે કોણ હતી, શું કરતી હતી, એ વિષે મેં કંઇ જાણ્યું નહિ ! અરે, મેં તેનું નામ સુધ્ધાં પૂછ્યું નહિ ! જેને લીધે હું ઇન્ટરવ્યૂમાં પસંદ થયો, તેને મારે જરૂર મળવું જોઈએ. પણ આવડા મોટા મુંબઈમાં તેને ક્યાં શોધવી ? તેના દિલમાં કવિતા માટે લાગણી પેદા થઇ રહી હતી. કદાચ તેને મનોમન કવિતા જોડે પ્રેમ થઇ ગયો.

તેની નોકરી શરુ થઇ ગઈ હતી. તે એક જોમવંતો યુવાન બની ગયો હતો. પણ કવિતાની યાદ તે ભૂલી શકતો ન હતો. દિવસો, મહિનાઓ પસાર થઇ ગયા. કિશોરે મુંબઈમાં રહેવા માટે મકાન ભાડે લીધું હતું. શ્રીજી ડાઈઝ કંપનીમાં ઉંચા હોદ્દા પર બિરાજતા મનુભાઈ સાથે તેને સારો ઘરોબો થઇ ગયો હતો. મનુભાઈ વડિલ હતા, તેના હિતેચ્છુ હતા.

બેએક વર્ષ પછી કિશોર તેના પિતાએ બતાવેલી કેતકી નામની છોકરી સાથે પરણી ગયો. તેને મનમાં કવિતા યાદ આવી હતી. તેની જિંદગીમાં બેચાર કલાક અલપઝલપ આવીને, પ્રેરણામૂર્તિ બનીને, દિલના એક ખૂણામાં સ્થાન જમાવીને તે ઉડી ગઈ. હવે વાસ્તવિકતા સ્વીકાર્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. કેતકી પ્રેમાળ સ્ત્રી હતી. કિશોરનો કેતકી સાથેનો સંસાર સરસ ચાલ્યો. તેમને એક પુત્ર જન્મ્યો. તેનું નામ પાડ્યું કાવ્ય.

વર્ષો વહી ગયાં. કાવ્ય સ્કુલમાં ભણતો હતો ત્યારે અચાનક એક દિવસ કેતકીને એવી માંદગી આવી કે તે સાજી ના થઇ શકી. કિશોર અને કાવ્યને વિલાપ કરતા મૂકી, તે મૃત્યુ પામી. કાવ્યને ઉછેરવાની જવાબદારી કિશોરને માથે આવી પડી. તેને વળી પાછું કવિતાનું સ્મરણ થઇ આવ્યું. મનુભાઈ કિશોરને સાંત્વન આપતા રહેતા.

એક વાર મનુભાઈએ કહ્યું,”કિશોર, એક વિધવા સ્ત્રી મારા ધ્યાનમાં છે, તારી જ ઉંમરની છે. એક પુત્રની મા છે. બહુ ડાહી અને સમજુ છે. જો તારી ફરી લગ્ન કરવાની ઈચ્છા હોય તો હું વાત કરું. કાવ્યને મા અને ભાઈ મળશે. બધાનું જીવન સુધરી જશે.”

પણ કિશોરે અનિચ્છા દર્શાવી. સાવકી મા મારા કાવ્યને કદાચ સારી રીતે ના રાખે તો ?

કાવ્યને સ્કુલમાં ઘણા મિત્રો થયા હતા. તેમાં તેનો ખાસ દોસ્ત હતો પ્રતિક. પ્રતિક અવારનવાર કાવ્યને ત્યાં આવતો. કિશોરને પણ પ્રતિક સાથે સારું ફાવી ગયું હતું. પ્રતિકના પપ્પા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા. એટલે કિશોર અંકલ, તેને પપ્પા જેવા લગતા.

એક વાર સ્કુલમાં બાળકોનો સ્ટેજ પ્રોગ્રામ હતો. કાવ્ય અને પ્રતીકે પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. દિવસો સુધી તૈયારીઓ કરી હતી. છેવટે પ્રોગ્રામનો દિવસ આવી પહોંચ્યો. પ્રોગ્રામ જોવા માટે માબાપને પણ આમંત્રણ હતું. કાવ્યના પપ્પા કિશોર અને પ્રતીકનાં મમ્મી પણ સ્કુલે પહોંચ્યાં. મનુભાઈ પણ આવ્યા હતા. પ્રોગ્રામ સરસ હતો. બાળકોએ પશુઓનો વેશ ધારણ કરીને ગીત ગાવાનું હતું. પ્રેક્ષકોએ બાળકોને તાળીઓથી વધાવ્યા. ઈન્ટરવલમાં કાવ્ય અને પ્રતિક, કિશોર પાસે આવ્યા. કિશોરે બંનેને શાબાશી આપી. પ્રતિક કહે, “અંકલ, ચાલો હું તમને મારી મમ્મીની ઓળખાણ કરાવું.”

એમ કહી તે કિશોરને તેની મમ્મી પાસે લઇ ગયો. કિશોરે પ્રતીકની મમ્મીને જોઈ. પણ આ શું ? તે એકદમ ચમક્યો. મનમાં જૂની યાદો વીજળીવેગે ધસી આવી. સામે ઉભી હતી તે બીજી કોઈ જ નહિ, પણ પેલા સૌરાષ્ટ્ર મેલની સહપ્રવાસી કવિતા હતી ! તેની પ્રેરણામૂર્તિ હતી ! તે તેને જોતાં જ ઓળખી ગયો. વર્ષોથી મનમાં ધરબી રાખેલી પ્રેમિકા સામે જ હાજર હતી ! જેને ક્યારેય મળી નહિ શકાય, એવી ધારણા દ્રઢ થઇ ગઈ હતી, એ આજે સાક્ષાત સદેહે સામે ઉભી હતી ! અને વધુમાં તે કાવ્યના મિત્રની માતા હતી. કુદરત કેવા અદભૂત સંજોગો સર્જે છે. કવિતાએ કિશોરને તરત તો ઓળખ્યા નહિ, પણ કિશોરે, પોતે સૌરાષ્ટ્ર મેલમાં બેસી ઇન્ટરવ્યૂ આપવા જઈ રહેલો ત્યારે તેણે, તેને પ્રેરણા આપી હતી, એ બધું યાદ કરાવ્યું. કવિતાને એ પ્રસંગ યાદ આવી ગયો. તે ભાવવિભોર બની ગઈ. ટ્રેનની ટૂંકી મુલાકાતે, કિશોરની જિંદગી બની ગઈ, તે જાણીને કવિતાને ઘણો આનંદ થયો. તેના પોતાના જીવનમાં કેવા ઝંઝાવાત આવ્યા, અને તેના પતિ, પ્રતીકને રેઢો મૂકીને કેવી રીતે મૃત્યુ પામ્યા એવી બધી વાતો કરી મન હળવું કર્યું.

એક બાજુ સ્ટેજ પર બાળકોનો પ્રોગ્રામ ચાલતો રહ્યો અને આ બાજુ કિશોર અને કવિતા, એકબીજાને પોતાના ભૂતકાળની વાતો કહેતા રહ્યા. એટલામાં મનુભાઈ ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા, “બેટા કવિતા, હવે પ્રોગ્રામ પૂરો થવા આવ્યો છે. આપણે પ્રતીકને લઈને ઘેર જવા નીકળીએ. ઓ હો ! કિશોર, તું પણ અહીં છે ? તને ઓળખાણ કરાવું. આ છે મારી પુત્રી કવિતા. અમે સાથે જ રહીએ છીએ.”

કિશોર માટે આ બીજું આશ્ચર્ય હતું. કવિતા મનુભાઈની જ પુત્રી હતી ! અને પ્રતિક તેમનો પૌત્ર હતો ! મનુભાઈએ, કિશોરને ફરી લગ્ન કરવા માટે એક વિધવા સ્ત્રીનો પ્રસ્તાવ મૂક્યો હતો, તે યાદ આવી ગયું. એ કદાચ આ કવિતાની જ વાત હશે. કવિતા, મનુભાઈ અને પ્રતીકની સાથે જ રહેતી હતી, પોતાનાથી આટલી નજીક હતી, તો પણ તે આજ દિન સુધી જાણતો ન હતો !

બીજા દિવસે કિશોરે મનુભાઈને કહ્યું, અંકલ, તે દિવસે તમે મને ફરી લગ્ન કરવાનું કહેતા હતા, તે વિધવા સ્ત્રી કવિતા જ છે ને ?”

મનુભાઈની આંખોમાં ‘હા’ વંચાતી હતી. કિશોરે જવાબ આપ્યો, “અંકલ, હું લગ્ન કરવા તૈયાર છું. જલ્દીથી લગ્નની તૈયારી કરો.”

બંને પરણી ગયાં. બંને ખૂબ ખુશ હતાં. તેમનું લગ્નજીવન કેટલું બધું સુખમય હશે, તે કહેવાની જરૂર ખરી ? કિશોરને પ્રેમિકા મળી, કવિતાને પતિ મળ્યો. કાવ્યને મમ્મી અને પ્રતીકને પપ્પા મળ્યા, અને બધાંને મનુભાઈના આશીર્વાદ મળ્યા.

Shared by

Miraj Ranpura: www.facebook.com/mirajranpura

1 COMMENT

LEAVE A REPLY