એન્ડ નાવ બીગિન્સ ધ શિયાળો


એન્ડ નાવ બીગિન્સ ધ શિયાળો, એન્ડ નાવ ધ ઠંડી વિલ ફોલ. અથૉત્ હવે શિયાળો શરૂ થઇ રહ્યો છે એટલે હવે ઠંડી પડશે અને ઠંડી પડે એટલે આપણે ત્યાં અમુક વસ્તુઓ તો અચૂક થાય જ છે, જેમ કે શરદીનું આક્રમણ. યસ, શિયાળાની ઠંડી ઋતુ શરદી માટે એકદમ પરફેક્ટ સિઝન છે. જેને લીધે ચારે બાજુ લોકો શરદીની લપેટમાં આવી ગયેલા નજરે પડે છે. કોઇ છીંક – છીંક કરે છે, તો કોઇ રૂમાલમાં નાક સાફ કરે છે, કોઇ અંગૂઠાને પહેલી બે આંગળીઓ વચ્ચે નાક પકડી જાહેરમાં જોરથી નાક ખંખેરતાં નજરે પડે છે, તો કોઇ માઇકમાં બોલતાં હોય એમ હાથની મુઢ્ઢી મોઢામાં સામે ધરી એમાં ‘ઠોં… ઠોં…’ અવાજ કરી ખાંસતા નજરે પડે છે. આ બધાં દ્રશ્યો શિયાળામાં એકદમ કોમન છે.

આ સિઝનમાં લોકો હોય એ કરતાં વધારે જાડા દેખાવા માંડે છે, પણ ખરેખર એ દ્રષ્ટિભ્રમ હોય છે, કેમ કે આ દિવસોમાં લોકોનાં શરીરમાં વધારો નથી થતો હોતો, પણ વસ્ત્રોમાં વધારો થતો હોય છે. લોકો નોર્મલ કપડાંની ઉપર સ્વેટર, જેકેટ, બુઢિયા ટોપી, મફલર એવું બધું ‘ઠઠાડી’ને ફરતા હોય છે. જેના કારણે લોકો હોય એના કરતાં વધારે ‘ઘેરાવાવાળા’ નજરે પડે છે. ઘણા લોકોને તો એવી ઠંડી લાગતી હોય છે કે એ આખું શરીર કપડાંમાં ‘ઢબૂરી’ દઇ માત્ર આંખો જ દેખાય એટલો ભાગ ખુલ્લો રાખતા હોય છે. એના લીધે ઘરમાં ‘આતંકવાદી’ ફરતો હોય એવું લાગે છે.

શિયાળો શરૂ થાય એટલે અમુક જણાને ‘હેલ્થ બનાવવાનો હિસ્ટિરિયા’ ઊપડે છે. અચાનક જ એમને તબિયત સુધારવાનું શૂરાતન ચડે છે. જેના માટે એ લોકો ‘હેલ્થ ફીક’ બની ભેદી ભેદી પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે. રોજે જાત-ભાતના જયૂસ, સૂપ પીવા માંડે છે. ‘યુ સી, હું તો વિન્ટરમાં ડેલી મોર્નિંગમાં ગાજર-આમળાંનો જયૂસ પીઉં છું અને ઇવનિંગમાં પાલક-મેથીનો સૂપ પીઉં. એનાથી આઇ ફીલ સો હેલ્ધી કે વાત ના પૂછો!’ ઘણા તો ઠંડીમાં વીર સલાડવાળા બની જાય છે. ‘વિન્ટરમાં, ગ્રીન લીફી વેજિટેબલ્સ જ હું તો ખાઉં છું. આઇ તો ઇટ સેલેડ્સ ઓન્લી.’

આખું વરસ કાયમ ઘી-તેલ-ચીઝ-માખણ-મીઠાઇ-જંકફૂડ ખાનારા અચાનક આમ ‘કાચા શાકાહારી’ કે ‘જયૂસાહારી ને સૂપાહારી’ બની જતાં એમનું પેટ એમના કહ્યામાં રહેતું નથી અને બળવો પોકારી જાય છે. અને ‘જેને કોઇ ના પહોંચે એને પેટ પહોંચે’ એ કહેવત સાચી પડે છે. પછી ડોક્ટર કહે ત્યારે આવા વીરલા-વીરલીઓ નોર્મલ ખોરાક પર પાછા આવે છે. (સુજ્ઞ વાચકો, જયૂસ-સૂપ-સલાડ ખરાબ છે એવું કહેવાનો આશય નથી, પણ દરેક વસ્તુની એક લિમિટ હોય ને ભ’ઇ?) અમુક મહાપુરુષો અને મહામહિલાઓને આ સિઝનમાં કસરત કરવાનું ગાંડપણ ઊપડે છે. ‘શિયાળો એટલે કસરતની મોસમ’ એવું એમનું નાનું ને મોટું બંને મગજ જોર જોરથી પોકાર પાડવા માંડે છે. એટલે એ લોકો એકદમ અચાનક જ ‘કસરત ક્રેઝી’ બની જાય છે.

ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ રિક્ષા કરીને જાય એવા સ્વભાવ રાખનારા ઓચિંતા સવારે વહેલા ઊઠી અને ચાલવા કે દોડવા માંડે છે! ઢોચકી જેવા આકારની મહિલાઓ અને દેગડા જેવા ઘાટના પુરુષો ટ્રિપલ એક્સ. એલ. સાઇઝના ટ્રેક સૂટ ચડાવી, પગમાં જોગિંગ શૂઝ પહેરી રસ્તે રઝળવા માંડે છે કે પછી બગીચામાં ગગડવા માંડે. લગ્નના ફેરા ફરતી વખતે સાત રાઉન્ડ ચાલ્યા પછી ક્યારેય ના ચાલેલાં દંપતીઓ શિયાળામાં સજોડે વોકિંગ-જોગિંગ કરવા નીકળી પડે છે.

પગ પાસે પડી ગયેલી ચાવી પણ નીચે નમીને ના લઇ શકનારા નીચે વળી વળી પગના અંગૂઠા પકડવાના પ્રયત્નો કરે છે. છેવટે કંઇ ના થઇ શકવાથી હાથના અંગૂઠા સામસામે પકડી સંતોષ માને છે. ટીવીના રિમોટની ચાંપ દબાવવાની કસરત કરનારા અને માત્ર એક ચેનલથી બીજી ચેનલ પર કૂદકા મારનારા કે પછી આખો દિવસ સોફા પર જ આસન જમાવી બેસનારા અચાનક યોગાસન કરવા ધસી જાય છે. બપોરે સૂર્ય માથા પર પહોંચે ત્યારે ઊઠનારા, વહેલી સવારે સૂર્યનમસ્કાર કરવાની કોશિશ કરવા માંડે છે.

ભારે શરીર હોવાથી માંડ શ્વાસ લઇ શકનારા અચાનક રામદેવજીની જેમ પેટ અંદર ખેંચી શ્વાસ છોડી કપાલભાતિ કરવા માંડે છે. આ બધી જ પ્રવૃત્તિ ખૂબ જ ઉત્તમ છે, પણ એ અચાનક પુરજોશમાં ના કરવા મંડાય, મારા વાલીડાઓ, જરા સમજી-વિચારી ઉંમર પ્રમાણે, શરીરની પ્રકૃતિ અને બાંધા પ્રમાણે કરો તો એના લાભ થાય કે પછી કોઇ જાણકારની દેખરેખમાં કે ડોક્ટરની સલાહ મુજબ કરો તો એના ફાયદા થાય. નહીંતર પછી થોડા જ વખતમાં કાં તો એની મેળે શૂરાતન ઓસરતાં આ બધું બંધ થઇ જાય અથવા તો ડોક્ટર કહે એટલે બંધ કરવું પડે માટે આ શિયાળામાં ‘હેલ્થ’ માટે કસરત તો કરજો જ પણ એની પાછળ ‘વેલ્થ’ વપરાઇ જાય એવી તકલીફ ના ઊભી કરતા. ઓલ ધ બેસ્ટ.

Written by: Vinay Dave vinaydave61@hotmail.com

Shared by: Anita Rathod sarvaani_jsr@yahoo.com


Like it? Share with your friends!

1
1 comment
Anita Rathod
Anita Rathod is a contributor in BuddyBits. She shares stories and articles in Art & Literature. She likes non technical reading and drawing.

Comments 1

Your email address will not be published. Required fields are marked *

એન્ડ નાવ બીગિન્સ ધ શિયાળો

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Captcha!
Back to
log in