દવા ની સાથે સાથે દિલ થી કરેલી દુવાઓ પણ કામ કરે છે.


ડૉ.શરદભાઇ અમદાવાદ શહેરના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત છે. એમના જીવનનો આ યાદગાર પ્રસંગ એમના જ શબ્દોમાં:

“આ વાતને વીસ વર્ષ થ્યાં છે. મારે ત્યાં દીકરાનો જન્મ થયો. સમય કરતાં એ ઘણો વહેલો આવી ગયેલો. જન્મ સમયે એનું વજન માંડ દોઢ કિલોગ્રામ. અત્યંત નબળો બાંધો. મારા મિત્ર ડૉકટરે સલાહ આપી કે, તાત્કાલિક આને નારણપુરા ખાતેની એક પ્રસિધ્ધ હૉસ્પિટલમાં લઇ જાવ. એને કાચની પેટીમાં ઘણો લાંબો વખત રાખવો પડશે.

આખા અમદાવાદમાં એ સમયે માંડ બે-ત્રણ જગ્યાએ જ કદાચ આ સુવિધા ઉપલબ્ધ હતી. મારા દીકરાને દાખલ કર્યો. એ સમયે અન્ય નવજત બાળકો પણ ત્યાં હતાં. બે-ત્રણ દિવસે એકાદ બાળક ઇશ્વરને પ્યારું થઇ જતું હતું. હું ખૂબ જ હતાશ થઇ ગયો હતો. ડૉક્ટર પણ એમના શક્ય તમામ પ્રયાસો કરતા હતા. મારા દીકરાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક હતી. આ પરિસ્થિતિમાં મણિનગર ખાતેનું મારું દવાખાનું પણ ચાલુ રાખવું જરૂરી હતું. કારણ મારા દર્દીઓને તકલિફ પડે, તો જાય ક્યાં? હું આખી રાત મારા દીકરા પાસે રહેતો અને સવારે ઘેર આવી, નાહી-પરવારી સવારના દર્દીઓને તપાસતો. બપોરે થોડોક આરામ અને સાંજની ઓપીડી પતાવી, પાછો પહોંચી જતો દીકરા પાસે.

મારા દીકરાની હાલતમાં ખાસ કોઇ સુધારો જણાતો ન હતો. આ પરિસ્થિતિમાં એને અન્ય જગ્યાએ લઇ જવો પણ કેવી રીતે?ડૉક્ટરે પણ ઉપરવાળા ઉપર ભરોસો રાખવાનો દિલાસો આપી દીધેલો.

એક દિવસે સાંજના મારી ઓપીડી પતાવી હું દીકરાને જોવા અધીરો થઇ રહ્યો હતો, ત્યાં જ મારા સ્ટાફ નર્સે કહ્યું કે કોઇ મુસ્લિમ બાઇ આવી છે. મેં કહ્યું કે, સમય પૂરો થઇ ગયો છે. કાલે આવવાનું કહી દો. હું દરવાજા બંધ કરી બહાર નીકળી રહ્યો હતો ને એ મુસ્લિમ બાનુ હાથ જોડી મને કરગરી રહી હતી.હું ગુસ્સે થઇ ગયો. ‘મારે બહાર જવાનું છે. તમે કાલે આવજો.’ જવાબમાં એ રીતસરની મારી સામે ઝૂકી પડી. ‘સાહેબ, ખાનપુરથી ચાલતાં આવ્યા છીએ.મારી હાલત જુઓ. અવતીકાલે પાછું ચાલીને જ આવવું પડશે. દયા કરો સાહેબ, અલ્લાહ…. તમારા દીકરાને ખૂબ લાંબુ આયુષ્ય આપશે…..’

હું સડક થઇ ગયો. એનું છેલ્લું વાક્ય મારા હૃદયની આરપાર નીકળી ગયું. પાછો વળી ગયો. એ બાઇને ખૂબ શાંતિથી તપાસી, જરૂરી દવાઓ પણ આપી.’કેટલા પૈસા આપું,સાહેબ?’એના હાથ ફરી જોડાઇ ગયા. હું એને જોઇ જ રહ્યો. જે બાઇ આઠ-દસ કિલોમીટર ચાલીને આવી હોય. એની પાસેથી શું લઇ શકાય?મારાથી બોલાઇ ગયું, ‘બહેન… તું મને ફરીથી દિલથી દુવા આપ….મારા માટે એ જ તારી ફી છે.’ એ બાઇએ જીર્ણ થઇ ગયેલા સાડલાથી આંખો લૂછી ખરી, પણ …. આભારવશ બનેલી એ આંખો કાબૂમાં ના રહી.’અલ્લાહ…. આપકે બેટેકો લમ્બી ઉમ્ર દે….’ એના અંતરના આશીર્વાદ લઇ, હું જાણે હલકોફૂલ થઇ ગયો. અને પછી જે ચમત્કાર સર્જાયો, એ આજીવન નહીં ભૂલાય.

મારા ફોનની ઘંટડી રણકી ઊઠી, ‘શરદભાઇ… ગુડન્યૂઝ. ઇંગ્લૅંડથી મારા એક પરિચિત ડૉક્ટર આપણી હૉસ્પિટલમાં આવ્યા છે.તમારા દીકરાને એમણે તપાસી ઇંગ્લૅંડથી લાવેલું એક ઇંજેશન પણ આપી દીધું છે, દીકરો રડી રહ્યો છે. ડૉક્ટર મિત્રનું કહેવું છે કે, એ ઘણો જ સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી. તમે જલદીથી દીકરાને મળવા આવી જાવ…’

હું હૉસ્પિટલ પહોંચ્યો, ઇંગ્લૅંડથી આવેલા ડૉક્ટર મને ભેટી પડ્યા. ને હું હીબકે ચડી ગયો…. મારા દીકરાએ પણ મારી સાથે સૂર પુરાવ્યો ત્યારે બંને ડૉક્ટરોની પણ આંખો ભીની થઇ ગઇ.

Shared by: Yesha Jariwala- yesha.j75@gmail.com


Like it? Share with your friends!

1
1 comment
Team BuddyBits
This article is posted by one of the team members of BuddyBits.

Comments 1

Your email address will not be published. Required fields are marked *

દવા ની સાથે સાથે દિલ થી કરેલી દુવાઓ પણ કામ કરે છે.

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Captcha!
Back to
log in