પંખીનું ભણતર

1 min


એક હતું પંખી. એ હતું મૂરખ. તે ગીત ગાય, પણ શાસ્ત્ર ભણે નહિ. કૂદે, ઊડે પણ જાણે નહિ કે કાયદાકાનૂન કોને કહેવાય. રાજા બોલ્યા, ‘આમ તે પંખી કંઈ કામે લાગતું નથી; ઊલટું વનનાં ફળો ખાઈને રાજ્યની ફળ-બજારને નુકશાન પહોંચાડે છે.’ મંત્રીને બોલાવીને કહ્યું : ‘પંખીને શિક્ષણ આપો.’ રાજાના ભાણેજ પર ભાર આવી પડ્યો, પંખીને શિક્ષણ દેવાનો. પંડિતો બેસીને કેટલોય વિચાર કરવા લાગ્યા. પ્રશ્ન એ હતો કે, ‘આ જીવની અવિદ્યાનું કારણ શું ?’ અંતે વિચાર્યું કે સામાન્ય તણખલાથી પંખીઓ જે માળા બાંધે છે તે માળામાં જ ઝાઝી વિદ્યા સમાય નહિ. એટલે સૌ પ્રથમ તો જરૂર છે એક મજાનું પાંજરૂં બનાવવાની. પંડિતો દક્ષિણા પામીને ખુશ થતા ઘેર ગયા.

સોની બેઠો સોનાનું પાંજરું ઘડવા. પાંજરું એવું તો અદ્દભુત થયું કે જોવાને દેશપરદેશના લોકો ઊમટી પડ્યા. કોઈ કહે : ‘શિક્ષણ અજબ બન્યું છે !’ કોઈ કહે, ‘શિક્ષણ ભલે ન થાય, પણ પાંજરું તો થયું ! શું પંખીનું નસીબ છે !’ સોનીને થેલી ભરીને બક્ષિસ મળી. ખુશ થઈને તેણે તરત જ ઘર બાજુ ચાલવા માંડ્યું. પંડિત બેઠા પંખીને ભણાવવા. છીંકણી લઈને બોલ્યા : ‘આ કૈં અલ્પ પોથીનું કર્મ નથી.’ એટલે કે આટલી ઓછી ચોપડીઓથી નહીં ચાલે. ભાણેજે તરત જ લખનારાઓને બોલાવ્યા. તેઓએ ચોપડીઓની નકલો કરી કરીને, ભાત ભાતની નવી પોથીઓ બનાવીને ડુંગર જેટલો મોટો ઢગલો કર્યો. એને જોઈને બધા લોકો કહેતા : ‘શાબાશ, હવે વિદ્યા તો માતી નથી એટલી બધી થઈ ગઈ છે !’ ચોપડીઓ લખનારાઓએ લેવાય એટલું બળદ ભરી ભરીને પારિતોષિક લીધું અને તરત ઘર તરફ દોટ મૂકી. તેઓને સંસારમાં હવે કોઈ ખોટ રહી નહીં. ખૂબ મૂલ્યવાન પાંજરાને સાચવવાની ભાણેજ પર જવાબદારી આવી પડી. મરામત તો ચાલ્યા જ કરે. ઝાડઝૂડ, સાફસૂફ, પાલીશકામ ને એ બધી ઝાકઝમાળ જોઈને સૌ કોઈ કહેતું : ‘વાહ ! શી ઉન્નતિ થાય છે.’ ખૂબ લોકો જોવા આવવા લાગ્યા અને તેમના પર નજર રાખવાને માટે એનાથી વધારે લોકોને ભીડ કાબૂ કરવા રાખવા પડ્યા. તેઓને મોટા પગાર આપવા પડ્યા. સૌ કોઈ મનમાંગી રકમ આ કામ માટે મેળવવા લાગ્યા. તેઓના મામા, કાકા, કાકી, માસા, માસી, ભાઈઓ બધા જ એ રીતે પોતાનું ઘર ભરવા લાગ્યા.

જગતમાં બીજી અનેક પ્રકારની ખોટ હશે પણ નિંદકો તો જોઈએ એટલા મળે છે. નિંદા કરનારાઓ બોલ્યા : ‘પાંજરું તો ગજબનું બન્યું છે પણ પંખીની ખબર કોઈ રાખતું નથી.’
વાત રાજાને કાને ગઈ. તેમણે ભાણાને બોલાવી પૂછ્યું : ‘ભાણા આ શી વાત સાંભળું છું ?’
ભાણો બોલ્યો : ‘મહારાજ ! જો સાચી વાત સાંભળવી હોય તો બોલાવો સોનીને, પંડિતોને, ચોપડીઓ લખનારને, મરામતદ-દેખરેખ રાખનારને. નિંદકોને તો કૈં ખાવાનું મળે નહિ એટલે એ તો ખરાબ બોલે.’ જવાબ સાંભળીને રાજાને સાચી વાત સમજાઈ. તરત જ ભાણાના ગળામાં સોનાનો હાર આવી પડ્યો.

એકવાર શિક્ષણ કેવું પૂરજોશમાં ચાલી રહ્યું છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ. એટલે તેઓ તેમના મિત્ર, અમાત્ય એમ બધા રસાલા સાથે ખુદ પોતે શિક્ષણશાળાએ જઈ ઊભા. દરવાજા પાસે તરત જ શંખ, ઘંટ, ઢોલ-નગારાં, ઝાલર, કરતાલ અને મૃદંગ બાજી ઊઠ્યાં. ગળાં ખુલ્લાં મૂકી ચોટલી હલાવી હલાવીને પંડિતો મંત્રો ભણવા લાગી ગયા હતા. મિસ્ત્રી, મજૂર, સોની, દેખરેખ રાખનાર અને મામા, કાકા, ફોઈના, માસીના એ બધાએ જયધ્વનિ કર્યો.
ભાણો બોલ્યો : ‘મહારાજ, કામકાજ જોયું ને ?’
મહારાજ બોલ્યા : ‘અદ્દભુત ! કહેવા માટે શબ્દ નથી !’
ભાણાએ કહ્યું : ‘માત્ર શબ્દ નહિ, પાછળ અર્થે ય કમ નથી !’
રાજા ખુશ થઈને ડેલામાંથી નીકળીને જેવા હાથી પર ચડવા જાય છે ત્યાં ઝાડ પાછળ નિંદક છુપાયો હતો તે બોલી ઊઠ્યો : ‘મહારાજ, પંખીને જોઈ આવ્યા કે ?’
રાજા ચમકી ગયા. બોલ્યા, ‘અલ્યા, એ તો યાદ જ રહ્યું નહિ ! પંખીને તો ન જોયું !’
પાછા આવીને પંડિતને કહ્યું : ‘પંખીને તમે કેવી રીતે શીખવો છો તે રીત દેખાડો.’
થોડીક રીત દેખાડાઈ. દેખીને રાજા ભારે ખુશ થયા. એ રીત જ પંખી કરતાં એટલી બધી જબરી હતી કે પંખી તો દેખાતું જ ન હતું અને એમ લાગતું કે એ ન દેખાય તો ય ચાલશે ! રાજાને લાગ્યું કે આ યોજનામાં હવે કોઈ ખામી નથી. પીંજરામાં દાણા નથી, પાણી નથી; કેવળ ઢગલાબંધ પોથીઓમાંથી ઢગલે-ઢગલા પાનાં ફાડીને કલમ ખોસીને પંખીના મુખમાં ઠસાવવામાં આવે છે. ગીત તો બંધ જ – ચિત્કાર કરવા જેટલીયે ક્યાં જગ્યા હતી ? જોઈને શરીરે રોમાંચ થાય. આ વખતે રાજાએ હાથી પર ચડતી વેળા સરદારને બોલાવી કહી દીધું કે નિંદકની સાન બરાબર ઠેકાણે લાવી દેજો.

પંખી દિવસે દિવસે અધમૂઉં થતું ગયું. એટલે રક્ષકોને વધારે આશા બેઠી; છતાં ય સ્વભાવ-દોષથી એ જ્યારે પ્રભાતનો પ્રકાશ જોતું ત્યારે બેઅદબીથી પાંખો ફફડાવતું. પણ આ શું ? એક દિવસ જોયું તો તે પંખી પોતાની નબળી ચાંચ વડે પાંજરાના સળિયા કાપવાની ચેષ્ટા કરતું હતું ! કોટવાળ બોલી ઊઠ્યો : ‘આ તે કેવી બેઅદબી !’ તરત એ શિક્ષણ-મહેલમાં ધમણ અને હથોડા લઈ લુહાર હાજર થયો. કેવો મોટો હથોડો હતો એ ! લોઢાની સાંકળ તૈયાર થઈ. પંખીની પાંખોય કાપવામાં આવી. રાજાના સંબંધીઓ માથું હલાવી બોલ્યા : ‘આ રાજ્યમાં પંખીઓને કેવળ અક્કલ નથી એ તો ઠીક, પણ કૃતજ્ઞતા યે નથી.’ ત્યારે પંડિતોએ એક હાથમાં કલમ પકડી એક હાથમાં ભાલું રાખી એક એવી ક્રિયા આદરી કે જેને શિક્ષા કહેવાય છે. લુહારની બઢતી થઈ. એને સોનાનો દાગીનો આપવામાં આવ્યો. કોટવાળની હોંશયારી જોઈએને રાજાએ એને શિરપાવ આપ્યો.

એક દિવસ પંખી મરી ગયું. ક્યારે, એ તો કોઈ ચોક્કસ ઠરાવી શક્યું નહિ. બેકાર નિંદક પ્રચાર કરવા લાગ્યો, ‘પંખી મરી ગયું.’
ભાણાને બોલાવી રાજાએ કહ્યું : ‘ભાણા, આ શી વાત સાંભળું છું ?’
ભાણો બોલ્યો : ‘મહારાજ પંખીની શિક્ષા પૂરી થઈ છે.’
રાજાએ પૂછ્યું : ‘એ શું હવે કૂદે છે ?’
ભાણો કહે : ‘જરાય નહિ.’
‘હવે શું ઊડે છે ?’
‘ના.’
‘હવે શું ગીત ગાય છે ?’
‘ના.’
‘દાણા નહિ મળવાથી હવે ચીસો પાડે છે ?’
રાજા બોલ્યા : ‘એક વાર પંખીને લાવ તો, જોઉં.’ પંખી આવ્યું. સાથે કોટવાળ આવ્યો, સંત્રી આવ્યો, ઘોડેસવાર આવ્યો. રાજાએ પંખીને દાબી જોયું. તેણે ‘હાં’ કે ‘હૂં’ ન કર્યું. કેવળ તેના પેટમાંનાં પોથીનાં પાનાંઓ ખડખડ કરીને ગરબડ કરવા લાગ્યાં.

બહાર નવવસંતનાં કુમળાં પાંદડાંઓએ દક્ષિણના પવનથી ફૂલોના વનનું આકાશ દીર્ઘ નિ:શ્વાસથી વ્યાકુલ કરી મૂક્યું.

(નોંધ : પંખીની જગ્યાએ બાળક, પાંજરાની જગ્યાએ ‘ઈન્ટરનેશલ પબ્લિક સ્કૂલ’, રાજાની જગ્યાએ સરકાર, ભાણેજની જગ્યાએ કમીશન એજન્ટ – વગેરે મૂકીને સમજીએ એટલે ઉપરોક્ત વાર્તાનું હાર્દ આપોઆપ સમજાઈ જાય ! શિક્ષણ પર આટલો તીવ્ર કટાક્ષ કદાચ ભાગ્યેજ ક્યાંક જોવા મળે ! તે પણ આજના સમયને કેટલો બધો અનુરૂપ ! પંખીને ભણવવાને બહાને મોંઘા પ્રોજેક્ટને નામે બધા જ કમાય ! અને ભણવાનું તો એવું કે એમાં પંખીનું જે થવું હોય તે થાય ! પંખી તરફ જોવાની જરૂર જ નહિ !! બસ, ઝાકઝમાળવાળી, એ.સી.રૂમની શાળાઓ જોવા ટોળા ઉમટે. એમ માનવામાં આવે કે અહીં તો કેવું ઉચ્ચ શિક્ષણ અપાતું હશે ! હકીકતે પંખીની પાંખો કાપવામાં આવે. બાળકે બહુ હસવાનું નહી, બોલવાનું નહિ, ગાવાનું પણ નહિ… કેમ ? Discipline નો ભંગ થાય ને !! આખો દિવસ Discipline માં જ રહેવાનું. સ્પર્ધા… સ્પર્ધા.. સ્પર્ધા.. કોઈ જાગૃત સાચી વાત કરનારો નીકળે તો એ તો નિંદક ગણાય ! છેવટે પંખી મરી ગયું – બાળપણ મરી ગયું. માણસને મશીન બનાવ્યો. એ હવે ગાશે નહિ, બોલશે નહિ, હસી પણ નહીં શકે. માણસની આ દશા જોઈને બહાર પ્રકૃતિમાતાએ એક દીર્ઘનિ:શ્વાસ મૂક્યો.)

Shared by: Hardi Akbari Patel- hardi_sm@yahoo.com


Akbari Hardi

Akbari Hardi M.is currently pursuing her Engineering from V.V.P. Engineering College, Rajkot. She is interested in literature as it helps her to relax and maintain her moral. "I am also interested in sports which keeps me fit." says Hardi.