ચૅમ્પિયન

અને આજે ચેતનની ચેતના જાણે કે જાગી ઊઠી હતી. ઘણા વખતથી જેની રાહ જોયેલી એ ઘડી હવે બસ આવીજરહી હતી. છેલ્લાં ત્રણ-ત્રણ વરસથી દોડની સ્પર્ધામાં તે સતત બીજા ક્રમે જ આવતો હતો ને તેનો હરીફ મનોહર પ્રથમ રહેતો, પણ આ વખતે તો પોતે ‘ચૅમ્પિયન’ બની ને જ રહેશે એવો નિર્ધાર કર્યો હતો. આજે સફળતા હાથ વેંતમાં જ હતી.

પોતે સૌથી આગળ હતો ને તેનો હરીફ મનોહર ઘણોજ પાછળ હતો ત્યાં વચ્ચે તેણે બીજી એક જાહેરાત સાંભળી કે હવે દોડમાં માત્ર બે જ હરીફો રહ્યા છે – બાકીના પાછા ફરી ગયા છે. આ સાંભળીને તો હવે તે નિશ્ચિંત બની ગયો.

વાતાવરણ સુંદર હતું. સામે જ ડુંગરાઓ અને ખીણ! દોડવાની મજા આવતી હતી અને અચાનક તેના કાને એક- બે હૃદયદ્રાવક ચીસો સંભળાઈ. સામેની ખીણ તરફ એક બાળક ગબડી રહ્યું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે થોડી જ ક્ષણો બચી હતી. તેનાં મા બાપ અસહાય સ્થિતિમાં ચીસો પાડતાં હતાં. અને તેણે ક્ષણનોય વિચાર કર્યા વિના તે તરફ દોટ મૂકી. ચૅમ્પિયનશીપ ની ચરમસીમાએ દોટ થાય તેથી પણ વધુ ઝડપ કદાચ એ દોટની હતી. તેને લાગ્યુંકે જિંદગીમાં એ આથી વધુ ઝડપે કદાચ ક્યારેય દોડ્યો નહિ હોય અને તેણે બાળકને બચાવી લીધું ને તેનાં મા-બાપના આશીર્વાદ મેળવ્યા. ચૅમ્પિયનશીપ હાથ તાળી દઈ રહી હતી.

પણ. ત્યાંજ એની નજર મનોહર પર પડી. તે હજી પણ ધીમે ધીમે દોડી રહ્યો હતો ને તેણે ચેતનને બૂમ પાડી :‘મેં બધું જોયું છે, તું દોડમાં ફરી દાખલ થઈ જા. આજે તો તુંજ ‘ચૅમ્પિયન’ થવાને લાયક છે. તારા માટે હું ક્યારનોય ધીમે ધીમે દોડી રહ્યો છું.’

ચેતન વિચારી રહ્યો કેઆમાં ‘ચૅમ્પિયન’ કોણ?

Anita Rathod
Art & Literature, BuddyBits.com

SHARE
Anita Rathod
Anita Rathod is a contributor in BuddyBits. She shares stories and articles in Art & Literature. She likes non technical reading and drawing.

LEAVE A REPLY