માની વ્યાખ્યા


‘મમ્મી, તું બિલકુલ સ્માર્ટ નથી, બીજાની મમ્મીઓને જો…. કંઈક તો શીખ. જીન્સ પહેર, ફેસબુકમાં તારું એકાઉન્ટ બનાવ. હું તો તને કહી કહીને થાકી પણ તું સુધરવાની જ નથી.’ શૈલી કૈંક ગુસ્સામાં બોલી.

‘ભાઈ સાહેબ, મને ઘરના, તારા, વિશેષના અને તારા ડેડીના કામમાંથી ફુરસદ મળે તો કંઈક કરું ને ?’ વિભા શૈલીના આમતેમ ફંગોળાયેલા કપડાં સરખાં કરી રહી.
‘આ બધાં તારા બહાના છે, તારે નવું કશું શીખવું જ નથી અને કશું કરવું જ નથી.’ શૈલીનો ગુસ્સો વધતો જતો હતો.
‘તારે જે સમજવું હોય તે સમજ, મારે ઘણાંય કામ પડ્યા છે, હું તો આ ચાલી.’
‘મમ્મી, તું પછાત જ રહીશ, જા હવે.’ શૈલીએ ગુસ્સામાં બરાડી.

વિભા કંઈ બોલવા જાય તે પહેલાં મહાલક્ષ્મીબેન એટલે કે વિભાના સાસુ રૂમમાં આવ્યાં.
‘સારું તો…. તારી મમ્મીને સુધરેલી, મોર્ડન… તારી ભાષામાં કહું તો સોફિસ્ટિકેટેડ બનાવવાની જવાબદારી મારી….’ મહાલક્ષ્મીબેન શૈલીની આંખોમાં જોઈ રહ્યાં.
‘બા, તમે જ હવે સમજાવો મમ્માને…’
‘હા, હું કહી જ તો રહી છું !’
‘પણ બા, તમે મારી વાત તો સાંભળો…’ વિભા પલંગ પર બેસતાં બોલી.
‘જો વિભા, તને ખબર તો છે આજકાલની જનરેશન… એમને બધું જ જોઈએ છે અને તે પણ રાતોરાત ! હવે આપણે જો એમની સાથે નહિ ચાલીએ તો આઉટડેટેડ કહેવાઈશું. બરાબરને બેટા ?’
‘હા, બા તમે એકદમ સાચું કહો છો.’ શૈલી થોડી ખુશ થઈ.

‘બા, હું બધું જ સમજુ છું પણ ઘરના અને બહારના કામમાંથી સમય જ નથી મળતો.’ વિભાએ મહાલક્ષ્મીબેન આગળ પોતાની લાચારી વ્યક્ત કરી.
‘તો આપણે સમય કાઢીશું બેટા. શૈલી, તું તારી મમ્માને એક મહિનાનો સમય આપ. એ પ્રયન્ત કરશે.’
‘ઓ.કે., પણ એક મહિના પછી મને કંઈક પરિણામ દેખાવું જોઈએ.’
‘હું ખાતરી આપું છું, પણ….’
‘પાછું પણ ! મને ખબર જ હતી……’ શૈલી ફરી અકળાઈ ઊઠી.
‘અરે, મારી પૂરી વાત તો સાંભળ ! હું એમ કહું છું કે તું વિભાને એક મહિનો આપ. આ એક મહિનામાં વિભા પોતાની જાત માટે સમય કાઢશે. પણ આ એક મહિનામાં વિભા તારું એકપણ કામ નહિ કરે. તારે તારા બધાં જ કામ જાતે કરવા પડશે. બોલ છે મંજૂર ?’
‘બા, એ શક્ય નથી. એનાથી નહિ થાય… ભણવાનું અને બીજું બધું ? હજુ એ નાની છે બા. એ તો છોકરું કહેવાય… બોલ્યાં કરે, આપણે થોડું એવું થવાય ?’ વિભાના અંદરની મા બોલી રહી.
‘વિભા, એ છોકરું નથી. મમ્મીને પછાત કહી શકે એટલી મોટી થઇ ગઈ છે. તને સુધરવાનું કહે છે તો એ પણ એના કામ જાતે કરી જ શકે છે. કેમ બરાબરને બેટા ?’
‘હા…હા.. બા, પણ મારે કયા કામ જાતે કરવાના છે ?’ શૈલી સહેજ થોથવાઈ.
‘વિભા રોજ તારો રૂમ સાફ કરે છે, તારાં કપડાં ધોએ છે, તને નાસ્તો બનાવી આપે છે, પરીક્ષાના દિવસોમાં રાત્રે તને વાંચવા ઉઠાડે છે, ચા બનાવી આપે છે અને એવું તો ઘણુંય કરે છે……’
‘પણ એ તો એનું કામ છે…’ શૈલી કંઈક અસ્વસ્થતાથી બોલી.
‘ના, એ એનું કામ નથી. એ તારું કામ છે. તું પુખ્ત છે. જો તું તારા મિત્રો સાથે એકલી પિકચરમાં કે હોટલમાં જઈ શકતી હોય તો તું તારા કામ પણ જાતે કરી જ શકે છે.’ મહાલક્ષ્મીબેન સહેજ કડક થયાં.
‘બોલ છે મંજુર ? કે પછી પીછેહઠ કરાવી છે ?’
‘બા… તમે ય શું, મુકો હવે આ બધું ! હું હવે મારી જાત માટે થોડોક ટાઈમ કાઢીશ. પ્રોમિસ…’
‘વિભા, તું કઈ નહિ બોલે. મેં તને બધાં નિર્ણય કરવાની સ્વતંત્રતા આપી છે પણ આજે આ નિર્ણય હું કરીશ.’ મહાલક્ષ્મીબેન થોડી કડકાઈથી બોલ્યાં.
‘બોલ બેટા, છે મંજુર ?’
‘ઓ.કે બા… ડન…..’ શૈલી સ્કૂટીની ચાવી લઈને બહાર જતી રહી.
‘તું હવે એના કપડાં બાજુ પર મૂક… એ કરશે આજથી બધું. કંઈક મેળવવા માટે એને કંઈક છોડવું પડશે. જીવતર એટલે બસ બહેનપણીઓ, મોબાઈલો, પાર્ટીઓ નથી. આજકાલના છોકરાંઓને બધું જ ચપટી વગાડતા મળી જાય છે એટલે ક્યારેક કોઈ વસ્તુ ના મળે કે ના થાય ત્યારે ધૂંધવાય જાય છે. તારો હવે ‘મમ્મી’માંથી ‘વિભા’ બનવાનો સમય આવી ગયો છે. વર, ઘર અને છોકરાંને થોડાંક દિવસ બાજુએ રાખ અને તું તારી જાત માટે સમય કાઢ… અને સાંભળ, જો એ એના કોઈ પણ કામ તેં કર્યાં છે તો તને મારાં સમ છે ! જીવનના અમુક સત્ય એને જાતે જ સમજવા દે….’

વિભા બા અને શૈલીને જતાં જોઈ રહી. એને પણ ક્યારેક મન થતું કે આ બધું છોડીને કોઈવાર શાંતિથી બેસે. કોઈક ચિત્ર બનાવે, સાંજની રસોઈની ચિંતા કર્યા વગર બપોરે પોતાની મનગમતી ફિલ્મ જુએ, રમેશ સાથે થોડો રોમાન્સ કરે, કારણ વગર જ બહેનપણીઓ સાથે ફરવા નીકળી પડે, ઘડિયાળનાં સેલ કાઢીને સમયને રોકી દે…… બંને છોકરાંઓને મોટા કરવામાં કેટકેટલું કરવાનું રહી ગયું એમ વિભા વિચારી રહી. બા સાચું જ કહે છે, શૈલીને અમુક વાસ્તવિકતા સમજવી જ પડશે. – સ્વગત બોલીને એણે કપડાં પાછા પલંગ પર મુક્યા.
મોડી સાંજે શૈલી કોલેજથી પાછી આવી. એની આંખો મમ્મીને શોધી રહી.
‘મમ્મી, ક્યાં છે તું ? મને ચા પીવી છે.’ એણે બુમ મારી.
હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં બા બોલ્યાં : ‘એ બહાર ગઈ છે. સાંજની ચા તો અમે પી લીધી. તું મોડી પડી થોડીક. તને અત્યારે પીવી હોય તો બેટા જાતે બનાવવી પડશે. યાદ છે ને આપણી શરત ?’

શૈલી ગુસ્સામાં ચા બનાવવા રસોડામાં ગઈ. ચા-નાસ્તો કરી એ રૂમમાં આવી. પલંગ પર કપડાંનો ઢગલો, ટેબલ પર સવારની ચાનો કપ અને આખી રૂમમાં એની કેટકેટલીય વસ્તુનો પથારો જોઈને એ બેસી પડી. કાલે યુનિટ ટેસ્ટનું ક્યારે વાંચશે એની ચિંતામાં હાંફળી-ફાંફળી બધું સરખું કરવા લાગી. ચાનો કપ રસોડામાં મુકવા ગઈ ત્યારે વિભા એને દેખાઈ. ખબર નહિ કેમ… પણ એને ખૂબ સારું લાગ્યું મમ્મીને જોઈને.
‘કેવો રહ્યો દિવસ ?’ વિભા પાઉં શેકતા બોલી.
‘ચાલે, હું બહુ થાકી ગઈ છું મમ્મી. કાલે યુનિટ ટેસ્ટ પણ છે…..’ શૈલી મમ્મી પાસેથી કશુંક સંભાળવા માગી રહી.
‘ઓહ, ઓલ ધ બેસ્ટ !!’ વિભાએ એની સામે જોયા વગર કહ્યું.
‘ઓહ… મમ્મી, એકદમ મસ્ત હેર કટ છે. ક્યાં કરાવ્યાં? સહેલીમાં ?’
‘હા, હવે મારે અપડેટ થવાનું છે ને…..’ વિભા હસીને બોલી. શૈલીને કંઈ સમજાયું નહિ કે શું બોલવું. મમ્મી બદલાયેલી લાગી. તે ખપ પૂરતું બોલતી હતી. એને મનમાં દુઃખ થયું મમ્મી પર ગુસ્સો કરવા બદલ. કેટલીય વાતો કરવી હતી મમ્મી જોડે પણ એ કંઈ ના બોલી શકી. જમી-પરવારીને મમ્મી અને બા ટીવી સામે ગોઠવાયા. પપ્પા એમની આદત મુજબ મેગેઝિન લઈને બેઠાં. ભાઈ વિશેષ સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ બનાવવા ઉપર ચાલ્યો ગયો.
‘મમ્મી, મને વહેલી ઉઠાડજે કાલે. મારે ટેસ્ટ છે કોલેજમાં.’ શૈલી મનોમન પ્રાર્થના કરી રહી કે પ્લીઝ બા વચ્ચે ના બોલે તો સારું.
‘બેટા, હું પણ બહુ થાકી ગઈ છું. તું અલાર્મ મુકીને સુઈ જજે ને…’ બા અને શૈલી વિભાને જોઈ રહ્યાં. તે મનમાં અકળાતી પાછી રૂમમાં આવી. વાંચવું હતું પણ અક્ષરો ઉકલતા નહોતા. મન અશાંત હતું. ટીવી નહોતું જોવું અને ઈન્ટરનેટ પર સર્ફીંગ પણ નહોતું કરવું. ખબર નહિ એને શું કરવું હતું ? પથારીમાં પડતાં જ શૈલી સુઈ ગઈ.

સવારના નવ વાગી ગયા હતાં. શૈલી એકદમ સફાળી જાગી ગઈ. અગિયાર વાગ્યે તો ટેસ્ટ છે, વાંચ્યું તો કંઈ નથી…. બસ, હવે ટાઈમ પર પહોંચી જવાય તો સારું ! – એમ વિચારતી એ ફટાફટ બાથરૂમમાં ગઈ. જેમતેમ તૈયાર થઈને એ બહાર આવી. ડાઈનિંગ ટેબલ પર એનો ચા-નાસ્તો પડ્યો હતો. વિભાને જોવા આમતેમ નજર કરી પણ મોડું થતું હતું એટલે ચુપચાપ નીકળી ગઈ. અંતે ટેસ્ટમાં ફેલ થઈ ! આ બાજુ, ધીમે ધીમે મહિનામાંથી એક-એક દિવસ ઓછો થવા માંડ્યો. વિભાના ‘ટુ ડુ’ લિસ્ટમાં કમ્પ્યુટર ક્લાસ, ક્લબ, પેઈન્ટિંગ વગેરેનો ઉમેરો થતો ગયો. પતિ, ઘર અને છોકરાઓમાં ખોવાઈ ગયેલી વિભા પોતાનું આગવું વ્યક્તિત્વ પાછું મેળવવા લાગી. શૈલીના રૂમમાં કપડાનો ઢગલો વધવા માંડ્યો. કબાટમાં કઈ વસ્તુ ક્યાં છે એને પોતાને ખબર નહોતી પડતી. ઘણી વાર એક વસ્તુ શોધવામાં એને કલાકો લાગી જતાં. રોજ ટાપટીપ કરીને કોલેજ જનારી શૈલી હવે લઘરવઘર જવા લાગી. પ્રોજેક્ટ, અસાઈનમેન્ટ-સબમીશન લેટ થવા માંડ્યા. ભણવામાં કે બીજી ઈતર પ્રવૃતિઓમાં એનું મન લાગતું નહોતું.

કોલેજમાં હવે જુદા-જુદા ‘ડેયઝ’ની મોસમ ચાલુ થઈ. આજે સાડી-ડે હતો. કલાકથી એ પોતાનું અને મમ્મીનું કબાટ ખોળતી હતી પણ એને કઈ સાડી પહેરાવી એ સમજાતું નહોતું. ગઈ સાલ તો મમ્મીએ સાડી, જ્વેલરી, મેકઅપ બધું જ રેડી રાખ્યું હતું. કેવો વાટ પડી ગયો હતો કોલેજમાં ! મમ્મીની ડ્રેસિંગ સેન્સ એક્દમ હાઇફાઇ છે એનો એને એહસાસ થઇ રહ્યો. એ મમ્મીને શોધી રહી.
‘બા, મમ્મી ક્યાં છે ?’
‘ક્લબમાં ગઈ છે. સાંજે ચાર વાગ્યા સુધી આવશે. તારે કંઈ કામ હોય તો સવિતાને કહેજે.’
‘છેક ચાર વાગ્યે ? તો મને સાડી કોણ પહેરાવશે ? એ છોડો બા, એ પહેલાં સાડી કોણ સિલેક્ટ કરી આપશે ?’ શૈલી કંઈક ગુસ્સામાં બોલી. બાએ સાંભળ્યું ના સાંભળ્યું કર્યું. શૈલી હાથમાં જે આવી તે સાડી લઈને ગુસ્સામાં એની ફ્રેન્ડને ત્યાં જતી રહી.

એક સાંજે ઘરે આવીને શૈલી સીધી રૂમમાં ચાલી ગઈ. એને થોડુંક તાવ જેવું લાગતું હતું. પુરા પચ્ચીસ દિવસથી એનું જીવન અસ્તવ્યસ્ત હતું. ન તો ખાવા-પીવાનાં કોઈ ઠેકાણાં હતાં કે ના તો ઊંઘવાના… કોલેજ, ફ્રેન્ડ, ઘર, રૂમ બધું જ વિખરાઈ ગયું હતું…. એને શાંતિથી સૂવું હતું મમ્મીના ખોળામાં; હા, એને મમ્મી જોઈતી હતી. કોલેજમાં થયેલા પોતાના અને ઈશીના ઝગડાની વાત મમ્મીને કરવી હતી, રડવું હતું, હળવું થવું હતું મમ્મી આગળ….
‘હેલો ડીયર, આજે મેં ફેસબુક જોઈન કર્યું. મેં તને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી છે. જોયું તે?’ શૈલી જીન્સ પહેરેલી મમ્મીને જોઈ રહી.
‘ના, મેં નથી જોયું. મમ્મી, જીન્સ પણ તને સાડી અને ડ્રેસની જેમ જ સરસ લાગે છે. મમ્મી, થોડીવાર મારી પાસે બેસ ને પ્લીઝ….’ શૈલી મમ્મીનો હાથ ખેંચતા બોલી.
‘બેટા, તારો હાથ આટલો ગરમ કેમ છે ? તને તાવ તો નથી ને ?’ વિભા શૈલીના માથે હાથ મુક્યો, ‘અરે બાપ રે, શરીર તો ધીકે છે…. તું સુઈ રહે, હું દવા લઈને આવું છું.’ વિભા દોડતી દવા લઈ આવી. પાછળ બા આવ્યાં અને શૈલીનું માથું પસવારવા લાગ્યાં. રમેશ અને વિશેષ પણ આવ્યા. બધાને એક સાથે જોઈને શૈલીને બહુ સારું લાગ્યું. વિભાએ ફટાફટ સૂપ બનાવ્યો. બા એને સૂપ પીવડાવતા હતાં તે દરમિયાન વિભાએ રૂમ વ્યવસ્થિત કર્યો. વિશેષ શૈલીને ચીડવતો અને હસાવતો હતો.
‘મમ્મી, હવે મને સારું લાગે છે. હું ટીવી જોઉં થોડીવાર?’
‘હા બેટા, કેમ નહિ….? આજે ફિલ્મફેર અવોર્ડ છે, આપણે બધાં સાથે જોઈશું.’ વિભાએ શૈલીને બાથમાં લેતાં કહ્યું. શૈલીને લાગ્યું કે તે અવોર્ડ જીતી ગઈ છે; મમ્મીની હુંફ કોઈ એવોર્ડથી કમ ન હતી.

દિવસો પૂરા થયાં. શૈલી અને મમ્મીની શરત કે જેના જજ બા હતાં એ આજે પૂર્ણ થતી હતી. સાંજે બા, શૈલી, રમેશ, વિશેષ સૌ કોઈ હોલમાં ભેગા થઈને વિભાની રાહ જોઈ રહ્યાં. ડોરબેલ વાગતાંની સાથે શૈલી દોડી. બારણું ખોલતાંની સાથે જ મમ્મીને વળગી પડી. વિભા કંઈ સમજે એ પહેલાં જ એને ખેંચીને અંદર લઇ આવી. સામે સજાવેલા હોલની વચ્ચે ટેબલ પર ‘હેપી મધર્સ ડે’ લખેલી કેક મુકેલી હતી. વિભાની આંખમાં અચરજ અને આનંદનું સંમિશ્રણ ડોકાતું હતું. એ કંઈ બોલે એ પહેલાં જ શૈલીએ બોલવાનું ચાલુ કર્યું :

‘એટેન્શન એવરીબડી, હું કંઇક કહેવા માંગું છું. આજથી બરોબર એક મહિના પહેલાં મારી અને મમ્મી વચ્ચે એક ડીલ થયેલી અને એ મુજબ મમ્મીએ પોતાનામાં થોડોક બદલાવ લાવવાનો હતો તથા મારે મારું બધું કામ જાતે કરવાનું હતું. થેન્ક્સ ટુ બા…. કે જેમણે અમને બંનેને આમ કરવા રાજી કર્યાં અને કંઇક અંશે મજબુર પણ કર્યાં. મમ્મી આ એક મહિનામાં ઘણું બધું નવું શીખી. લેટેસ્ટ ટેકનોલોજી અને ટ્રેન્ડથી એ પરિચિત થઈ એનો મને ખૂબ જ આનંદ છે. હું એક વાત માની ચુકી છું કે મમ્મી યુ કેન ડુ એનીથીંગ. પણ….. હું બધું ના કરી શકી. મમ્મી અને બા, લેટેસ્ટ ટેકનોલોજી અને ટ્રેન્ડ હું આપના કરતાં વધારે જાણું છું પણ અનુભવ અને જ્ઞાનમાં હું આપનાથી જોજનો દુર છું. જીવન જ્ઞાન અને અનુભવોથી ઘડાય છે નહિ કે ઈન્ટરનેટ, ફેસબુક, મોબાઈલ, પાર્ટીઝ અને જીન્સથી. આજે હું કંઈ પણ છું એ આપ સૌને લીધે છું. સવિશેષ, મમ્મી તારી લીધે. અત્યાર સુધી હું દરેક ક્ષેત્રમાં નચિંત બનીને, પુરા ફોકસ સાથે, જોરદાર આત્મવિશ્વાસથી આગળ વધતી જતી હતી તેનું કારણ તું જ હતી. એન્જિનિયર બનવાનું મારું સપનું હું તારે કારણે જ પૂરું કરી શકી છું. તેં તારી જોબ છોડી, તારા શોખ ભૂલ્યાં, ફક્ત અને ફક્ત અમારાં માટે. તારો સમય તેં અમને આપી દીધો. તું ઈચ્છત તો કોઈ આયા રાખી અમને મોટાં કરી શકી હોત.

મમ્મી કોઈ દિવસ પછાત કે મોર્ડન નથી હોતી, એ તો બસ ‘મમ્મી’ જ હોય છે. રાતે જાગીને સુવડાવતી, અમને જમાડીને પછી જમતી, રમીને થાકેલાં આવીએ ત્યારે ગરમ ગરમ નાસ્તો તૈયાર રાખતી, પરીક્ષામાં પોતે ચાર વાગી ઉઠીને મસ્ત ચા બનાવીને પછી અમને વાંચવા ઉઠાડતી, ક્યારેક ક્યાંક અટવાયા હોય તો રસ્તો શોધી આપતી, બિમારીમાં દવા બનતી, સારા-નરસાનો ભેદ સમજાવતી, સાથે રમતી-રમાડતી, થાક અને કંટાળાને સ્મિત પાછળ ધકેલી દેતી, વગર કહે મનની વાત સમજી જતી, એ જ મમ્મી છે. કદાચ, દુનિયામાં સર્વત્ર મમ્મી સરખી જ હોય છે. હા, આજે કેલેન્ડરમાં ‘મધર્સ ડે’ નથી પણ મારી માટે છે. આજે હું ખરેખર સમજી છું કે મા શું છે. પ્રેમ, હુંફ, હિંમત અને એક આધાર છે મમ્મી….. બીજું કેટલુંય છે એ; શબ્દોમાં વ્યકત ના કરી શકાય એને….. અને હું ગર્વ અનુભવું છું કે હું મારી મમ્મીની દીકરી છું. અત્યાર સુધી હું ફક્ત મારા વિશે જ વિચારતી હતી, મારે માટે જ જીવતી હતી, મારે આ જોઈએ છે, મારે આ કરવું છે પણ ધીરેધીરે ખબર પડી કે હું કેટલી બધી સ્વકેન્દ્રિત હતી. મમ્મી, હું પ્રોમિસ કરું છું કે હું મારાં કામ જાતે કરીશ અને તને મદદ પણ કરીશ. પણ….હા, તારે પ્રોમિસ કરવું પડશે કે દિવસનો થોડોક સમય તું મમ્મી, પત્ની કે વહુ નહિ ફક્ત ‘વિભા’ બનીને રહીશ.’

આટલું બોલતાની સાથે જ શૈલી આંખોમાં આંસુ સાથે વિભાને વળગી પડી. વિભા અને બાને લાગ્યું કે શૈલીને હવે માની વ્યાખ્યા બરાબર સમજાઈ ગઈ છે.

Priyesh Santoki
BuddyBits.com


Like it? Share with your friends!

Team BuddyBits
This article is posted by one of the team members of BuddyBits.

Comments 0

Your email address will not be published. Required fields are marked *

માની વ્યાખ્યા

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Captcha!
Back to
log in